સુત્રાપાડામાં પોલીસે દારૂ પકડી બૂટલેગરને વેચી નાખ્યો : ભાંડો ફૂટતા ધરપકડ,રિમાન્ડ

સુત્રાપાડામાં પોલીસે દારૂ પકડી બૂટલેગરને વેચી નાખ્યો : ભાંડો ફૂટતા ધરપકડ,રિમાન્ડ 

સુત્રાપાડામાં પોલીસે દારૂ પકડી બૂટલેગરને વેચી નાખ્યો : ભાંડો ફૂટતા ધરપકડ,રિમાન્ડ


  • ચાર બાચકા વિદેશી દારૂ પકડ્યો, ત્રણ વેચી નાખ્યા, ૧ કોન્સ્ટેબલ,અને ૩ GRD સામે કાર્યવાહી
  • દારૂનો જથ્થો પ્રાંચીના સ્થાનિક હેમલ નામના બુટલેગરને વેંચી માર્યાનું સામે આવ્યુ હતુ.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલ અને ૩ જીઆરડી જવાનોએ ગત તા.૨૮-૬-ના સુત્રાપાડાના પ્રાંચી હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમ્યાન એક મોટર કારમાંથી મળી આવેલ વિદેશી દારૂના જથ્થા અંગે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે દારૂનો જથ્થો સ્થાનીક બુટલેગરને વેંચી મારી રોકડી કરી લીધી હતી. જો કે, આ કારસ્તાન જિલ્લા પોલીસવડાના ધ્યાને આવતા પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ જીઆરડી જવાનો અને એક બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

હાલ પોલીસ કોન્સ્ટેબલને કોર્ટે એક દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. આ અંગે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, આવા કોઈ પ્રકરણમાં જિલ્લાના કોઈ પણ પોલીસ કર્મચારીની સંડોવણી ધ્યાને આવશે તો તેઓને બક્ષવામાં નહીં આવે અને તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર ઘટનાની વિગતો એક આગેવાન દ્વારા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના ધ્યાને મુકતા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીના આદેશ આપતા આખરે ઘટનાના એક સપ્તાહ બાદ ગત તા.૩ જુલાઈના સુત્રાપાડા પોલીસે નાટકીય રીતે પ્રાંચી જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની પાછળના ભાગે છુપાવેલ દારૂના જથ્થાની હેરફેર કરતા રંગેહાથ જીઆરડી જવાનો દિનેશ વાસાભાઈ સોલંકી અને વિજય હમીરભાઈ કામળીયા પકડી તેમની વિરુદ્ધ ગુનો નોંધેલ હતો. બાદમાં આ બંન્નેની પૂછપરછમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવસી ઉગાભાઈ બારડ અને અન્ય વધુ એક GRD જવાનની પણ સંડોવણી સામે આવી હતી. આ ચારેયની ટોળકીએ કારમાંથી મળેલ ચાર પૈકી ત્રણ બાચકા વિદેશી દારૂનો જથ્થો પ્રાંચીના સ્થાનિક હેમલ નામના બુટલેગરને વેંચી માર્યાનું સામે આવ્યુ હતુ. જેને લઈ પોલીસે બુટલેગરની ધરપકડ કરી પૂછપરછ કરતાં પોલીસ કોન્સ્ટેબલની ભૂમિકા સામે આવતા તેની પણ ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ પોલીસ મંજુર કર્યા છે.બીજી તરફ સુત્રાપાડા પોલીસ સ્ટેશનના જવાબદારો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કેમ કે, તા.૨૮ જુનની ઘટનામાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનના જવાબદારો શું અજાણ હશે કે, ઘટનાના એક સપ્તાહ બાદ જિલ્લા પોલીસવડાના આદેશ બાદ સુત્રાપાડા પોલીસે કાર્યવાહી કરી હતી.તો શું સ્થાનીક થાણા અધિકારી આ સમગ્ર મામલેથી અજાણ હતા કે પછી મામલાને રફે કરવા અજાણની ભુમિકા ભજવતા હતા તેવા સવાલો સુત્રાપાડા પોલીસ મથકના જવાબદારો સામે પણ ઉઠી રહ્યા છે.

Post a Comment

0 Comments